અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૩

અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૨
July 13, 2017
હેપી ઈન્ડીપેન્ડંસ ડે
August 14, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૩

નિશીથ અને કાયા બંને હવે પોતાની જાતને કોસી રહ્યા હતા. જિંદગીમાં પહેલીવાર કોઈ કેસમાં પોતે જ ફસાઈ ગયા હતા. આટલા સફળ પોલીસ ઓફિસરની સામે બે લોકો પૂરી ગેમ રમી ગયા અને નિશીથ અને કાયાને ભનક પણ નાં લાગવા દીધી અને તેમના જ હાથે એક નિર્દોષનું ખૂન પણ કરાવી નાખ્યું અને કાયદાની નજરમાં તે એન્કાઉન્ટર હતું. નિશીથ પોતે પણ આખરે મનોમન આ બંનેની બુધ્ધિને સલામ કરી ગયો. પરંતુ હવે તે આ કેસને રીઓપન કરવાના હેતુથી તો નહિ પરંતુ પોતાને બેવકૂફ બનાવી ગયા એ બંનેને ગમે તેમ કરીને પકડવા માંગતો હતો પરંતુ કોઈ સબુત વગર તો તેઓને ગિરફ્તાર કરવા શક્ય નહોતું આથી હવે તે આ કેસને પોતાની રીતે હેન્ડલ કરવા માગતો હતો.

કાયા અને નિશીથ બંને પોતાની ઓફીસમાં બેઠા હતા ત્યાં જ ખબર મળ્યા કે ઉર્વીલની ઓફીસનો જે મેનેજર રાહિલ હતો તેનું એક્સીડેન્ટ થયું છે અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો છે. આખરે નિશીથનો શક સાચો જ નીકળ્યો, આ ગેમ હજુ પૂરી નહોતી થઇ હજુ પણ કોઈક મોટી ઘટના બનવાની હતી જેને અંજામ કોણ આપશે તે વિષે કશું કહી શકાય એમ નહોતું. પરંતુ હવે તો નિશીથ પોતે જ કોઈના ઓર્ડરની રાહ જોયા વગર જ કાયાને લઈને આ કેસની વધુ તપાસ કરવા માટે નીકળી ચુક્યો હતો.

==***==***==

મુંબઈના એક પબના ઘોંઘાટ વચ્ચે ટેબલ પાસે ચેર પર બેઠા બેઠા હયાતી રેડ વાઈન પી રહી હતી અને બીજી તરફ બારડાન્સર પોતાના હુસ્નના જલવા દેખાડીને પબમાં આવતા માલદાર લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી હતી. બોલીવુડના ઢીંચક ગીતો સાથે લોકો શરાબના નશામાં દારુ પી રહ્યા હતા અને હયાતી આજુબાજુના આ વાતાવરણને એકદમ વિપરીત શાંત બેઠી હતી. તેના મગજમાં વિચારોનું ઘમાસાણ ચાલી રહ્યું હતું પરંતુ તે શું હતું તે કોઈ કળી શકે તેમ નહોતું એટલી જ વારમાં ત્યાં ઉર્વીલની ઓફીસનો મેનેજર રાહિલ હયાતી પાસે આવીને બેઠો અને હયાતી જોડે તેણે પણ પોતાની વ્હીસ્કી પીવાની શરૂઆત કરી.

“કોન્ગ્રેચ્યુલેશન મેમ ! આખરે તમારી ગેમ તમે જીતી ગયા”, રાહિલે વાત શરુ કરતા કહ્યું.
“જે ગેમ મારી પોતાની જ હતી તેમાં તો હું જીતવાની જ હતી તેમાં શંકાને બેમત નહોતો”, હયાતી પણ કોઈ મોટા ગેમ્બલરની જેમ વર્તીને બોલી રહી હતી.
“સારું કર્યું તમે અંબરને મરાવી નાખી, સાલીએ નાકમાં દમ કરી નાખ્યો હતો. જ્યારે પણ ઓફીસ આવે ત્યારે આખી ઓફીસનો ઉધડો લઇ નાખતી. તેણે મને બધા વચ્ચે ઝલીલ કર્યો અને તેનો બદલો લેવાનો તમે મને મોકો આપ્યો એ બદલ થેન્ક્સ”, રાહિલે પોતાનો અસલ કલર દેખાડ્યો.
“હું જાણતી હતી કે તને તેના પર નફરત છે એટલે જ તને મેં તેની નજીક રહેવા કહ્યું હતું અને એટલે જ મારો અને રોનિતનો વિડીયો ઉતારીને તને આપ્યો હતો જેથી તું અંબરનો વિશ્વાસ જીતી શકે કે તે આ તેની મદદ માટે કર્યું છે”, હયાતી પણ હવે પોતાના હુકમના પત્તા ફેકી રહી હતી.
“તો હવે આ કામનું ઇનામ ક્યારે મળશે ?”, રાહિલની લાલચુ નજરને હયાતી તરત પારખી ગઈ.
“ખુબ જ જલ્દી, તું ચિંતા નહી કર તને એવું ઇનામ આપીશ કે આખી જિંદગી તારે કશું કરવું નહિ પડે”, હયાતી તેને વિશ્વાસમાં લેતી હોય એ રીતે કહી રહી હતી અને બીજી તરફ તેણે રાહિલના વ્હીસ્કીના ગ્લાસમાં નાખેલી ટેબ્લેટ પોતાની અસર દેખાડવાની શરૂઆત કરે તેની રાહ જોઈ રહી હતી.

થોડી જ વારમાં રાહિલનું માથું ભમવા લાગ્યું અને તેને ચક્કર આવવા લાગ્યા હતા. બીજી તરફ હયાતી જાણે તેને સેક્સ માટે ઉક્સાવી રહી હોય એ રીતે પોતાના ફેસ એક્સપ્રેશન આપી રહી હતી.
“કમ ઓન બેબી ! લેટ્સ હેવ સમ ફન !”, દવાની અસર હવે રાહિલનાં બોલવામાં દેખાઈ રહી હતી અને સાથે વ્હીસ્કી પણ તેના મગજમાં બરાબર ચડી હતી.
“યોર પ્લેસ ઓર માઈન ?”, હયાતીએ પણ તેને સહકાર આપતા કહ્યું.
“અનીવેર ! તું જ્યાં કહીશ ત્યાં આવવા તૈયાર છું”, રાહિલ પોતાનો હોશ પુરેપુરો ખોઈ ચુક્યો હતો.

હયાતી તેને પોતાના ખભાના ટેકે બહાર લઇ ગઈ અને તેને થોડીવાર રોડ પાસે ઉભા રહેવા કહ્યું અને તે ગાડી લઈને આવે છે એમ કરીને તે ત્યાંથી ગાડી લેવા જતી રહી. રાહિલ હજુ પણ ત્યાં લથડીયા ખાઈ રહ્યો હતો. થોડી જ વારમાં એક ગાડી ધસમસતી રાહિલ તરફ આવી અને રાહિલને અડફેટે લેતી ગઈ. રાહિલનો શર્ટ કાર સાથે ભરાયો હોવાથી તે થોડો ઢસડાયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. રાહિલ મૃત્યુ પામ્યો હોવાની ખાતરી થતા જ હયાતીએ ગાડી ત્યાંથી ભગાવી મૂકી. આખરે તેણે તેનું છેલ્લું સબુત પણ નષ્ટ કરી નાખ્યું હતું.

“ઉર્વીલ નાળા પાસે આવી જા, કામ પૂરું થઇ ચુક્યું છે”, હયાતીએ એકદમ સોફ્ટ વોઈસમાં કહ્યું.
“વાઉ ! ધેટ્સ માય ગર્લ ! આમ પણ તારી બાબતમાં તો હું સ્યોર છું કે તને ક્યારેય પણ કોઈ કામ અધૂરું છોડવું નથી ગમતું”, ઉર્વીલ હવે વખાણોનાં પુલ બાંધી રહ્યો હતો.
થોડી જ વારમાં તે એક્સીડેન્ટ કરેલી ગાડી હયાતીએ નાળામાં નાખી દીધી અને એટલી જ વારમાં ઉર્વીલ ત્યાં પોતાની ગાડી લઇને આવ્યો અને હયાતી અને ઉર્વીલ બંને ગાડીમાં બેસીને નીકળી ગયા.

“બેબી ! આ ગાડી કોની લાવી હતી જે તે નાળામાં નાખી દીધી ?”, ઉર્વીલે હવે મેઈન પ્રશ્ન પૂછ્યો.
“ચોરી કરેલી કાર છે, શોપિંગ મોલના પાર્કિંગમાંથી ગાડીનો લોક ખોલીને ગાડી લઇ લીધી. સિમ્પલ”, હયાતી હવે પોતાની હોશિયારી બતાવી રહી હતી.
“અરે પણ લોક ખોલ્યો શેનાથી ?”, ઉર્વીલે મેઈન ડાઉટ ક્લીયર કરવા પૂછ્યું.
હયાતીએ પોતાના માથામાં ભરાવેલી પીન કાઢીને ઉર્વીલ સામે ધરી દીધી, “ફિલ્મો નથી જોતો ? સૌથી સરળ નુસખો એટલે લેડીની પીન”
“હહાહ્હા ! હહાહાહ ! હું અમસ્તો તારો દીવાનો નથી હયાતી, તારી આ જ સ્માર્ટનેસ મને ઘાયલ કરી જાય છે”, ઉર્વીલ હયાતીને વખાણી રહ્યો હતો.

==***==***==

ઉર્વીલ અને હયાતી તે રાત્રે જ મુંબઈથી ફરી પાછા બેંગ્લોર પહોચી ચુક્યા હતા આથી હવે તો પોલીસને શક જવાનો પણ કોઈ પ્રશ્ન નહોતો. નિશીથ હવે ખરેખરો ગીન્નાયો હતો. ઉર્વીલ અથવા હયાતી બેમાંથી કોઈ એક આખી ગેમ રમી રહ્યા છે તે જાણી ચુક્યો હતો અને એ પણ જાણી ગયો હતો કે તે બેમાંથી જ કોઈ આ સબૂતો મિટાવી રહ્યું છે. પરંતુ તેની પાસે હવે આ તમાશો જોવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. તે હારી ચુક્યો હતો. નિશીથ અને કાયા પોતાની કેરિયરનો પહેલો કેસ જે દુનિયાની નજરમાં જીત્યા હતા પરંતુ પોતાની નજરમાં હારી ચુક્યા હતા.

“હયાતી માય લવ ! માય જાન ! આજે તો આપણે સેલિબ્રેશન કરીશું. આપણે દરેક સાબિતીઓ અને દરેક જાણકારી મિટાવી દીધી છે હવે આપણા પ્રેમ વચ્ચે કોઈ આવી શકે તેમ નથી. હવે આપણને બંનેને એક થતા ખુદ ભગવાન પણ નહિ રોકી શકે”, ઉર્વીલ સોફા પર બેઠો બેઠો બોલી રહ્યો હતો.
“હા ! સાચી વાત છે. વેઇટ આપણે સેલિબ્રેશન કરીએ, હું વાઈન લઈને આવું છું”, એમ કરીને હયાતી કિચનમાં ગઈ અને વાઈન અને બે ગ્લાસ લઈને આવી.

“અરે બે ગ્લાસ શું કામ લાવી ? આજે તો ફક્ત એક જ ગ્લાસ અને બે તરસ્યા દિલ એકસાથે પોતાની તરસ બુજાવશે”, આટલું બોલીને ઉર્વીલે હયાતીને સોફામાં ખેંચી લીધી અને એક પ્રગાઢ ચુંબન હયાતીના હોઠ પર ચોટાડી દીધું.
“વેઇટ હું ખુબ થાકી ગઈ છું, હું નાહી લઉં એટલે થાક ઉતરી જાય ત્યાં સુધી તું વાઈન પી અને ટીવી જો”, હયાતી તરત નાહવા જતી રહી.
થોડીવારે બાથરૂમમાંથી હયાતીનો અવાજ આવ્યો, “ઉર્વીલ ! પ્લીઝ ગીવ મી ટાવેલ ! આઈ ફરગોટ”
ઉર્વીલ આ મોકાનો લાભ ખોવા નહોતો માંગતો આથી તરત જ તે હયાતીના બેડરૂમમાં ગયો અને કબાટમાંથી ટુવાલ કાઢવા ગયો અને એક નાનું બોક્સ તેના ધ્યાનમાં આવ્યું.

ઉર્વીલે બોક્સ ખોલીને જોયું તો અંદરથી પાસપોર્ટ, ઇંગ્લેન્ડના વિઝા, આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, પાન કાર્ડ જેવા દરેક બેઝીક ડોક્યુમેન્ટ્સ હતા જે હયાતીના હતા પરંતુ ઉર્વીલ શોક થઇ ચુક્યો હતો કારણ કે તે ડોક્યુમેન્ટ્સમાં ફોટો તો હયાતી નો જ હતો પરંતુ નામ “સાક્ષી કટારા” હતું.

ઉર્વીલનું મગજ હવે ભમી રહ્યું હતું કે તેની સાથે આ શું થઇ રહ્યું છે ? હયાતીએ પોતાની ઓળખાણ કેમ મારાથી છુપાવી હશે ? તેના પ્રેમનાં કારણે તો મેં મારી પત્નીને પણ મરાવી નાખી, મારા મેનેજરને મરાવી નાખ્યો, અરે એક માનસિક બીમારને પણ મરાવી નાખ્યો. ફક્ત અને ફક્ત હયાતીનો પ્રેમ પામવા અને હયાતીએ પોતાની સાચી ઓળખાણ તેનાથી છુપાવી ?

“હયાતી ! હયાતી !”, ઉર્વીલ ચિલ્લાતો બાથરૂમ ભણી ભાગવા જતો જ હતો ત્યાં જ હયાતી તેની સામે બંને હાથ વડે રિવોલ્વર પકડીને ઉભી હતી.

હયાતીએ જાણી જોઇને જ તેને બેડરૂમમાં ટુવાલ લેવા માટે મોકલ્યો હતો જેથી કરીને તે હયાતીની સાચી ઓળખાણ કરી શકે. જ્યાં સુધીમાં ઉર્વીલ એ બધું જોતો હતો તેટલી વારમાં હયાતીએ તેના ફ્લેટના સાઉન્ડ પ્રૂફ ઓટો લોક બારી અને દરવાજા બંધ કરી દીધા હતા અને રિવોલ્વર પોતાના જીન્સમાં ખોસી દીધી હતી.

“યેસ મિસ્ટર ઉર્વીલ પંડયા ! શું થયું ? આખરે તને મારી સાચી ઓળખાણ ખબર પડી જ ગઈ એમને”, સાક્ષી હવે એકદમ સતર્ક થઈને બોલી રહી હતી.
“હયાતી ! આ શું છે બધું ? તે કેમ મારાથી તારી ઓળખાણ છુપાવી ? અને આ તું મારી સામે ગન તાકીને કેમ ઉભી છે ?”, ઉર્વીલ હજુ પણ કશુય સમજી નહોતો શકતો.
“હું હયાતી નહિ પરંતુ સાક્ષી છું મિસ્ટર પંડયા ! તું મને નથી ઓળખતો પરંતુ હું તને એક સેકંડ માટે પણ નથી ભૂલી શકતી, તું જાણવા માગે છે હું કોણ છું એ ?”, સાક્ષી હવે એકદમ રણચંડીની માફક ગર્જના કરી રહી હતી.
ઉર્વીલ હવે ડરી ગયો હતો, એક તો હજુ તેને કશું સમજાઈ નહોતું રહ્યું કે તેની સાથે શું થઇ રહ્યું છે અને બીજી તરફ આ છંછેડાયેલી વાઘણ જેવી હયાતી, નહિ નહિ સાક્ષી. તે કશું બોલી નાં શક્યો અને ફક્ત હકારમાં ડોકું ધુણાવ્યું.
“તે જે બોક્સ ખોલ્યું છે તેમાં જો એક ફોટો હશે”, સાક્ષી એમ ને એમ જ ગન તાકીને ઉભી હતી.

ઉર્વીલે ચુપચાપ તે બોક્સમાં જોયું જેમાં એક ફોટો હતો અને તે જોતા જ ઉર્વીલ માથે જાણે આભ તૂટી પડ્યું. હયાતી પરિણીત છે ? અને આ જે તેની સાથે છોકરો છે તેને મેં ક્યાંક જોયેલો હોય એવું કેમ લાગી રહ્યું છે ? ઉર્વીલ પોતાના મગજમાં ભાર દઈ રહ્યો હતો કે તેને યાદ આવી જાય કે તે છોકરો કોણ છે પરંતુ હજુ તેને યાદ નહોતું આવી રહ્યું.

“કેમ ઉર્વીલ ? એટલા સમયમાં ભૂલી ગયો યુ ફકીંગ બાસ્ટર્ડ ! યાદ કર આપણે પહેલીવાર મળ્યા તેના ૪ મહિના પહેલાની એ ઘટના જ્યારે તું તારા દોસ્તો સાથે એક પબમાં પાર્ટી કરવા ગયો હતો જ્યાં તારો ઝઘડો એક છોકરા સાથે થયો હતો”, સાક્ષી બરાડી રહી હતી.

મગજ પર થોડું જોર દેતા ઉર્વીલને યાદ આવ્યું કે તેણે તે બારમાં કરેલા ઝઘડા દરમિયાન બંને વચ્ચે મારપીટ થઇ હતી અને ઉર્વીલથી ભૂલથી તે છોકરાને ધક્કો દેવાઈ જતા તે કાચના ટેબલ પર પડ્યો હતો અને તેના શરીરમાં અસંખ્ય કાચ ઘુસી ગયા હતા. તે પાર્ટીમાં કોઈએ એ જોયું નહોતું કે તે બંને કોણ છે જે ઝઘડો કરી રહ્યા છે કેમ કે તે એક માસ્ક પાર્ટી હતી જેમાં દરેક લોકોએ ફરજીયાત માસ્ક પહેરીને પાર્ટીમાં આવવાનું હતું જેથી કરીને કોઈ એકબીજાનો ચેહરો પણ ઓળખી નાં શકે પરંતુ તે છોકરો તે કાચ પર પડ્યો અને જોડે તેનું માસ્ક નીકળી ગયું હતું અને ઉર્વીલે નશાની ધુત હાલતમાં તેને જોયો હતો પરંતુ તેના દોસ્તોએ પરિસ્થિતિ પારખી જતા તેને ત્યાંથી તરત જ ઉર્વીલને લઈને કોઈ તેનો ચહેરો જોઈ નાં જાય તે રીતે નીકળી ગયા હતા.

“હા યાદ આવ્યું ! તે રાત્રે મારાથી અજાણતા જ તે છોકરાની હત્યા થઇ ગઈ હતી. અમારા ઝઘડામાં તે મૃત્યુ પામ્યો હતો પરંતુ તારે તે છોકરા જોડે શું સબંધ છે ?”, ઉર્વીલને હવે જે શક હતો તે દુર થઇ રહ્યો હતો.
“તે મારો પતિ હતો યુ રાસ્કલ, મધરફકર, તે રાત્રે તું તો ત્યાંથી તારા દોસ્તો સાથે નીકળી ગયો હતો ત્યારે હું ત્યાં જ પબમાં હતી અને મેં તારો પીછો કર્યો હતો અને તારો ચેહરો જોઈ લીધો હતો અને તું જે ગાડીમાં આવ્યો હતો તે ગાડીનો નંબર યાદ કરી લીધો હતો, સૌથી પહેલા તો મારા નામના બધા ફેક ડોક્યુમેન્ટ્સ બનાવ્યા, મારી અલગ ઓળખાણ બનાવી એ પછી તને શોધવામાં મારે ખાસો એવો સમય લાગ્યો ઉર્વીલ પણ આખરે શોધવાવાળા તો ભગવાનને પણ શોધી લેતા હોય છે તે પ્રમાણે આખરે તું મને મળી જ ગયો હતો અને મેં તારી સાથે પ્રેમનું નાટક કર્યું, મારી પાસે ખુબ બધો સમય હતો તને મારા હાથે મારી શકું એમ હતી, તું દોઢ વર્ષ અહિયાં મારી સાથે બેંગ્લોરમાં રહ્યો ત્યારે પણ હું તને આરામથી મારી શકતી હતી પરંતુ મારે તને સંપૂર્ણપણે બરબાદ કરવો હતો, તને ફેમસ કરીને ત્યારપછી જ તને આમાં ફસાવવો હતો જેથી કરીને લોકો તને તારી જ પત્નીના ખૂનના કેસમાં કોસે, તને નફરત કરે, જેમ હું મારા પતિના પ્રેમને પામવા તરસી હતી તે જ એહસાસ તને કરાવવા માટે મેં તારી પત્નીને તારા હાથે મરાવી દીધી અને હવે જ્યારે તું મારા પ્રેમમાં સંપૂર્ણ પાગલ થઇ ચુક્યો છે ત્યારે હવે તને એહસાસ થશે કે પોતાનાથી અચાનક અલગ થઇ જવું કેટલું અઘરું હોય છે”, સાક્ષી હવે પોતાની આટલા સમયથી ધરબાયેલી હૈયાવરાળ કાઢી રહી હતી.

“હા એ મારી ભૂલ થઇ ગઈ. પરંતુ શું તું મને મા…………………….”, હજુ તો ઉર્વીલ તેનું વાક્ય પૂરું કરે તે પહેલા તો સાક્ષીએ પોતાના હાથમાં રહેલી ગનનું આખેઆખું મેગઝીન ઉર્વીલની છાતીમાં ખાલી કરી નાખ્યું.
“તું માફીને લાયક નથી હરામઝાદા, નથી તું માફીને લાયક…”, આખરે સાક્ષીનો ગુસ્સો ઉર્વીલના મોત સાથે ઉતર્યો હતો અને તે પણ ત્યાં તેના શબને બેઠી બેઠી તાકીને રડી રહી હતી. પોતાના પતિને યાદ કરતી કરતી તે કરુણ આક્રંદ કરી રહી હતી.

==***==***==

“પાયલ ! પાયલ ! એ પાયલ ! ચલ ઉભી થા જોઈ, કાલ રાતની સુતી છે અને આ બપોરના ૧ વાગ્યો, ચલ હવે મને ભૂખ લાગી છે, તને મારી કશી પડી જ નથી, હું ઓફીસ જઈને પણ આવતો રહ્યો અને તું હજુ ભર ઊંઘમાં સપનાઓ જોઈ રહી છે”, આટલું બોલતા બોલતા સુરજે તેને બંને હાથો વડે પકડીને હલબલાવીને ઉભી કરી દીધી.
“સુરજ ! વાંદરા ! હું કેટલું ખતરનાક સપનું જોઈ રહી હતી, ઇન્સ્પેકટર નિશીથે પછી સાક્ષીને પકડી કે નહિ એ જોવાનું હતું. હુહ…મારું સપનું અધૂરું રહી ગયું, તારાથી મારી ઊંઘ જોવાતી નથી”, પાયલ ઊંઘમાં જ બબડી રહી હતી.
“નથી જ જોવાતી, રાત્રે તું સુવા ક્યા દે છે ? ત્યારે તો તને મસ્તી ચડે છે અને પછી બપોર સુધી સુતી રહે”, સુરજ મસ્તી કરતા કરતા ખોટો ગુસ્સો કરી રહ્યો હતો.
“પણ તને શું ખબર હું કેવું ભયાનક સપનું જોઈ રહી હતી. તું હોત તો તને ખબર પડેત કે ત્યાં શું થઇ રહ્યું હતું”, પાયલ હવે જાગી ચુકી હતી.
“શું થઇ રહ્યું છે ચલ કે જોઈ !”, એમ કરીને પાયલને બંને હાથો વડે તેડીને સુરજે તેને વ્હીલચેરમાં બેસાડી અને બહાર ગાર્ડનમાં લઇ ગયો.  બપોરનું સુસ્ત વાતાવરણ કંટાળો દર્શાવી રહ્યું હતું પરંતુ તો પણ મંદ મંદ પવનની વચ્ચે સુરજ તેની સામે બેઠો અને પોતાના ખિસ્સામાંથી ઝાંઝરીની જોડી કાઢી અને પાયલને સરપ્રાઈઝ આપતો હોય એ રીતે આંખો ઉલાળતો હસી રહ્યો હતો.
“જે પગ ક્યારેય ચાલવાના જ નથી તે પગને ઝાંઝરી પહેરાવીને તું શું કરીશ સુરજ ?”, પાયલની આંખમાંથી આંસુનું ટીપું પડી ગયું.
“હું તને ઝાંઝર પહેરાવીશ અને તને બંને હાથો વડે ઊંચકીને પછી ડાંસ કરીશ એટલે તારી એ પાયલનો અવાજ મારી પાયલને એકદમ ખુશ કરી દેશે, પરંતુ એ વાત પછી પેલા ચલ મને તારા સપના વિષે વાત કર. તને શું સપનું આવ્યું એ કહે ચલ હું સાંભળું છું”, સુરજ તેની પત્નીને પોતાની મીઠી વાતો વડે એકદમ ખુશ રાખવાની કોશિશ કરી રહ્યો હતો.

“હા જો સંભાળ ! એક ઉર્વીલ પંડયા હતો જે લેખક હતો અને તેની પત્ની અંબર ત્રિવેદી અને એક હતી હયાતી મેહતા…….”, પાયલનાં પગના રણકાર તો સુરજ તેને ઉચકે ત્યારે જ થવાના હતા પરંતુ તેના મોઢામાંથી કોયલરૂપી અવાજના રણકારને સુરજ એકદમ શાંતિથી સાંભળી રહ્યો હતો.

સમાપ્તિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *